સમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસથી હજારો પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ જોવા મળ્યા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરના હિંમતપુરામાં 7 ઘેટાંના મોતથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.
સમગ્ર ગુજરાતમાં લમ્પિ વાયરસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. તેવામાં લમ્પિ વાયરસના કારણે હજારો પશુઓના મોત નીપજ્યાં છે, ત્યારે સુરત જિલ્લામાં પણ પશુઓમાં લમ્પિ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. કામરેજ તાલુકામાં કરજણ ગામે એક પશુનું લમ્પિ વાયરસથી મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પશુઓને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુમુલ ડેરીની પશુ ચિકિત્સકની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ અસરગ્રસ્ત પશુઓનું વેકસીનેશન કર્યું હતું.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના હિંમતપુરામાં પણ શંકાસ્પદ લમ્પિ વાયરસથી 7 ઘેટાંના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે, પાટડી પંથકમાં લમ્પિ વાયરસના કારણે ગાય બાદ હવે ઘેટાંના મોત નિપજતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે પશુપાલન વિભાગની ટીમે મૃત ઘેટાંના લિવર, કીડની અને હાર્ટના સેમ્પલ મેળવી ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલ્યા છે. સાથે જ અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે વેક્સીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.