Connect Gujarat
ગુજરાત

મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.

X

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. આ સાથે જળ પ્રદૂષણ પણ અટકે તે માટે લોકોને ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવા અપીલ કરી છે.

આપણે જોઈએ છીએ કે, દર વર્ષે લોકો ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઊજવે છે. જોકે, પ્રતિબંધ હોવા છતાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. જે વિસર્જન બાદ પાણીમાં ઓગળતી નથી, અને પાણીમાં પ્રદૂષણ વધારે છે. પાણી પ્રદૂષિત થતાં કેટલાય જળચર જીવો મૃત્યુ પામે છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના 18 વર્ષીય યુવાન જય પગીએ માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. જય પગી માટીકામ અને કલાકારીનો શોખ ધરાવે છે. તેને ચિત્રકલા અને માટીની મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ છે. કહેવાય છે ને કે "કમળ તો કાદવમાં ખીલે" એમ જય પગી એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. માતાપિતાએ પણ કાળી મજૂરી કરી પોતાના દીકરાને ભણાવી ગણાવી બી.કોમનો અભ્યાસ કરાવ્યો છે.

જોકે, નાનપણથી જ ગજાનન શ્રી ગણેશમાં અપાર શ્રધ્ધા ધરાવતો જય પગી હવે "પર્યાવરણ બચાવો, પ્રદૂષણ અટકાવો"ના સૂત્રને સાકાર કરવા પોતાની કલાનો ઉપયોગ કરી રહ્યો છે. આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખી જય પગીએ અત્યારસુધીમાં માટીમાંથી 15થી 20 જેટલી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે. જોકે, હવે રાજ્ય સરકાર દ્વારા માટીકામ કરતાં કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી બન્યું છે. તો બીજી તરફ પીઓપીની પ્રતિમાના કારણે પાણીમાં થતું પ્રદૂષણ અટકે તેવા શુભ આશય સાથે જય પગીએ લોકોને ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવા અપીલ કરી છે.

Next Story