જૂનાગઢના ફ્રુટ માર્કેટમાં કેરીની આવક શરૂ
કેરીની સીઝન 15 દિવસ મોડી શરૂ થઈ
ફ્લેવરિંગ મોડું આવતા સીઝનમાં થયો વિલંબ
ખાખડી કેરીની થઇ મબલખ આવક
એક મહિનામાં કેરીની આવક વધવાની આશા
જૂનાગઢ જિલ્લામાં ફ્લાવરિંગ મોડું આવતા કેરીની સીઝન 15 દિવસ મોડી શરૂ થઈ છે,જોકે માર્કેટ ખાખડી કેરીની મબલખ આવકથી ઉભરાયું હતું. સૌરાષ્ટ્રના સ્વાદપ્રિય લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,તે કેરીની સીઝનનો જૂનાગઢમાં વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂનાગઢના શાકભાજી અને ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી આવક શરૂ થઈ છે. જોકે, આ વર્ષે કુદરતી પરિબળો અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેસર કેરીની સીઝન ગત વર્ષની સરખામણીએ અંદાજે 15 દિવસ મોડી ચાલી રહી છે, પરંતુ માર્કેટમાં ખાખડી કેરીની આવકે અત્યારથી જ ધૂમ મચાવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી ખાખડી કેરીની ધીમી આવક જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી તેમાં નોંધપાત્ર વધારો થયો છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બાગાયત અધિકારી ડી.કે.વરુના જણાવ્યા મુજબ આ વખતે આંબામાં મોડું ફ્લેવરિંગ આવતા કેરીનો પાક મોડો આવી શકે છે, તેમજ મઘીયો રોગ આવવાથી અને જીવાત હોવાથી દવાનો છંટકાવ નહિવત કરવા માટે તેઓ કહી રહ્યા છે. વધુમાં વાતાવરણ બદલાતા આ વર્ષે કેરીનો પાક મબલખ આવશે અને આગામી એક મહિનામાં કેરીની આવક ખૂબ વધશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.