સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ
જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું રોંદ્ર સ્વરૂપ જોવા મળ્યું
ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગ બંધ કરાયા
અનેક વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકીનો સામનો
વરસાદી પાણીમાં ફસાયેલા 22 લોકોનું NDRFએ રેસ્ક્યુ કર્યું
હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાનું રોંદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
રાજ્યમાં એકસાથે વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતા દરિયાઈ પટ્ટી વિસ્તારના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર પણ ઓવરફ્લો થયું છે. નરસિંહ સરોવરનું પાણી ઝાંઝર રોડ પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો. અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આ તરફ, કેશોદના ઉપરવાસમાં વરસાદના કારણે માંગરોળના વલ્લભગઢ પાસે રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકે, માંગરોળ-કેશોદ રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને અસર પહોચી છે. ખાસ કરી નાના વાહન ચાલકો અને મુસાફરોએ સાવચેતી રાખવી જરૂરી છે. કેશોદના મુખ્ય માર્ગ એવા માનખેત્રા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. તો બીજી તરફ, કેશોદના ગ્રામ્ય વિસ્તારનું પાણી પણ કેશોદ શહેરમાં પહોચ્યું છે, જ્યારે કેશોદ તાલુકાના મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે મગરવાડા સીમ વિસ્તારમાં 22 લોકો વરસાદી પાણીમાં ફસાયાં હતા. જેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભારે વરસાદને કારણે RNB વિભાગના 9 અને પંચાયતના વિભાગના 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તા પર લોકો અવરજવર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એસટી. વિભાગને પણ આ રસ્તાઓ પર વાહન વ્યવહાર ન કરવા સૂચના આપવામાં આવી છે, જેના કારણે 6 જેટલા એસટી. રૂટ પણ બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં જે ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોના 52 ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.