પ્રભાસ પાટણ તંત્રનું પુનઃ મેગા ડિમોલેશન
સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા
રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણ તોડી પાડ્યા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
GSRTCની 1300 ચો.મી.જમીન દબાણમુક્ત
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા પુનઃ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્રએ પ્રભાસ પાટણના સર્વે નંબર 831 પૈકી 1ની સરકારી જમીન પરના દબાણોને નિશાન બનાવ્યા હતા.
આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં રહેણાંક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી માટે 7 JCB મશીન, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની 1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો છે.