મહેસાણા : હરદેસણ ગામની દીકરીએ સિલ્વર મેડલ હાંસલ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું

ખેડૂત પરિવારની દીકરી દ્રષ્ટિ ચૌધરીએ નેશનલ ફેડરેશન કપ જુનિયર અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો।

New Update

મહેસાણા નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરી દ્રષ્ટિ ચૌધરીએ નેશનલ ફેડરેશન કપ જુનિયર અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દ્રષ્ટિએ સિલ્વર મેડલ હાંસલ કરતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં હર્ષ વ્યાપ્યો છે.

મહેસાણા જિલ્લામાં આવેલ હરદેસણ ગામની દીકરીએ પંજાબના સંગુર ખાતે યોજાયેલ 5000 મીટર દોડની સ્પર્ધામાં દેશમાં બીજો નંબર હાંસલ કર્યો છે. મહેસાણાના હરદેસણ ગામના ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરતા મધ્યમવર્ગના પિતા પ્રવિણભાઈ ચૌધરીની દીકરી દ્રષ્ટિની સ્પર્ધક તરીકે ગુજરાતમાંથી તાજેતરમાં પંજાબના સંગુર ખાતે રમાઈ રહેલી 19માં નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 ચેમ્પિયનશિપની સ્પર્ધામાં 31 જુલાઈએ 5000 મીટર દોડમાં પસંદગી થઇ હતી. જેમાં દ્રષ્ટિએ દોડમાં દેશમાં બીજા નંબર પર સિદ્ધિ હાંસલ કરતાં સિલ્વર મેડલની સિદ્ધિ મેળવી છે. દ્રષ્ટિએ જુનિયર દોડમાં સમગ્ર ભારત દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધામાં પંજાબ ખાતે યોજાયેલ નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કરીને મહેસાણા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. અંડર 20 ફેડરેશન કપ સગુર પંજાબમાં સિલ્વર મેડલ દ્વિતિય સ્થાન મેળવેલ જેમાં ગુજરાત માંથી એકમાત્ર દ્રષ્ટિએ ભાગ લીધો હતો જ્યારે આંધ્રપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, પુના, ગોવા સહિત અન્ય રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દ્રષ્ટિએ અગાઉ પણ અનેક સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી છે જેમા ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયામાં 2 સિલ્વર મેડલ 3 કિમિ અને 1500 મીટર દોડમાં મેળવ્યા હતા. તેમજ વિજયવાડા જુનિયર નેશનલમાં નેશનલ કક્ષામાં 3 કિમિ દોડમાં સિલ્વર મેડલ અને ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. બાળપણમાં જ દ્રષ્ટિના પિતાએ દીકરીનું હુન્નર પારખી લીધું હતું જેથી તેને તમામ પ્રકારનો સહયોગ આપવાનું શરૂ કરી દીધું હતું. સવારે દીકરીને વહેલી ઉઠાડી તેની સાથે તેના પિતા પણ દોડ લગાવતા હતા. આ ઉપરાંત દ્રષ્ટિને પ્રાથમિક શાળાના સમયે વ્યાયામ શિક્ષકો તેમજ કોલેજના અભ્યાસ દરમિયાન કોચનો ખુબ સહયોગ મળ્યો જેથી દ્રષ્ટિ પોતાના લક્ષ તરફ વળગી રહી અને આગળ વધતી રહી. તેના પિતા અને દ્રષ્ટિનું એક લક્ષ છે કે તે દેશ વતી ઓલમ્પિક ગેમમાં ભાગ લે અને દેશનું નામ રોશન કરે.

Latest Stories