Connect Gujarat
ગુજરાત

મહેસાણા : PM મોદીના હસ્તે તરભ વાળીનાથ ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન, વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુર્હૂત કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા,

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાળીનાથ ધામ સ્થિત મહાદેવ મંદિરની PM મોદીની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે જ PM મોદીએ મહેસાણામાં રૂ. 13 હજાર કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં મહા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે, આજે વાળીનાથમાં ઘણી જૂની યાદો તાજી થઈ છે. આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનું પ્રતિક છે. વધુમાં PM મોદીએ જણાવ્યુ હતું કે, આજે એક સંયોગ પણ થયો છે, આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો, અને આજે વાળીનાથમાં મહાદેવના સાંનિધ્યમાં છું. PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસે તેમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઊભી કરી હતી. કોંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિધ્ન ઊભું કર્યું હતું. આ લોકોએ તો ભગવાન રામના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા હોવાનો PM મોદીએ શાબ્દિક પ્રહાર કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યસભાના અધ્યક્ષ બાબુ દેસાઈ, મહંત જયરામગીરી બાપુ સહિત બહોળી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story