રાજ્યમાં નવ નિયુક્ત સરકારની રચના બાદ તમામ મંત્રીઓ એક્શનમાં છે, ત્યારે મહેસાણા ખાતે UGVCLની સમીક્ષા બેઠકમાં રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મહેસાણા ખાતે આયોજિત UGVCLની સમીક્ષા બેઠક દરમ્યાન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે "પાવરિંગ પ્રોસ્પેરિટરી" નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રાહકો માટે ફરિયાદ નિવારણની નવીન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં ફરિયાદ નિવારણ નંબર 63566 20021 જાહેર કરાયો છે, જે 24 કલાક કાર્ય કરશે. રાજ્ય મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, હાઇટેન્શન (એચટી) વીજલાઇન સાથે સંકળાયેલા ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે અલાયદા મોબાઇલ નંબરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. તો પાવરિંગ પ્રોસ્પેરિટરીને લઈને કંપનીની સ્થાપનાથી અત્યાર સુધી કરેલી કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલ, ઈન્ચાર્જ કલેકટર ડો. ઓમ પ્રકાશ, UGVCLના એમડી પ્રભાવ જોશી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.