મુખ્યમંત્રીના હસ્તે ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુકાયો
ઉપરકોટ કિલ્લાની મુલાકાતના ટિકિટના દરમાં વધારો
ટિકિટના દરમાં રાહત આપવા ધારાસભ્ય દ્વારા રજૂઆત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને કરાય રજૂઆત
જુનાગઢવાસીઓને ઉપરકોટના કિલ્લાની મુલાકાત વેળા ટિકિટના દરમાં રાહત આપવામાં આવે તેવી માંગ સાથે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. જુનાગઢની ધરોહર સમા ઉપરકોટના કિલ્લાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારે 29થી લઇ 2 તારીખ સુધી ઉપરકોટના કિલ્લા પર લોકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે, જેને લઇ પહેલા દિવસે જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઉપરકોટના કિલ્લાને ખુલ્લા મુક્યાના બીજા દિવસે જ લોકો આ કિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
ઉપરકોટનો કિલ્લો પહેલા તેની જે મૂળ સ્થિતિમાં હતો તેવો જ આબેહૂબ ફરી બનાવવા માટે છેલ્લા 3 વર્ષથી સવાણી ગ્રુપ દ્વારા આ કિલ્લાને રૂ. 74 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા હતા, અને ત્યારબાદ વિશાળ પાર્કિંગ, કેમેરા અને સિક્યુરિટી સિસ્ટમથી સજ્જ ઉપરકોટના કિલ્લાને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, ઉપરકોટ કિલ્લાની મુલાકાત માટેના ટિકિટના દરમાં વધારો હોવાથી જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
ઉપરકોટ કિલ્લામાં પ્રતિ વ્યક્તિ દીઠ ટિકિટ દર રૂ. 100 રાખવામાં આવ્યો છે, ત્યારે જુનાગઢવાસીઓ માટે ટિકિટના દરમાં 50 % ની રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ ઉપરકોટ કિલ્લામાં એન્ટ્રી તેમજ ગોલ્ફ કારની સફરના 100થી 250 રૂપીયા જેવો પ્રત્યેક વ્યક્તિ દીઠ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની નીચેની ઉંમરના બાળકને 50%ની રાહત આપવામાં આવી છે.