મોરબી જીલ્લામાં આવેલ મેરૂપરની પ્રાથમિક શાળા સંગ્રા રાજ્યની સરકારી શાળાઓને અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ શાળામાં વિદ્યાર્થીઓ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
ખાનગી શાળામાં શિક્ષણ સારું હોય આવી એક લોક-માન્યતા છે. પણ ખરેખર તો રાજ્યમાં એવી સેંકડો સરકારી શાળાઓ છે, જે આ માન્યતાને ખોટી ઠેરવે છે. મોરબી જિલ્લાના મેરુપરની પ્રાથમિક શાળા આવી જ એક સરકારી શાળા છે, જ્યાં પ્રકૃત્તિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. શાળા દ્વારા વિદ્યાર્થી સારો નાગરિક અને મનુષ્ય બને તે દિશામાં કોશિષ થાય છે. મોરબીની મેરુપર શાળા.આ શાળા ગ્રીન પણ છે અને સ્માર્ટ પણ..વર્ષ ૨૦૨૧માં બેસ્ટ ગાર્ડનિંગની શ્રેણીમાં પ્રથમ પાંચ શાળાઓમાં સ્થાન પામી હતી, સાથે આ શાળાના ૨૯૪ વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરુમ થકી શિક્ષણ મેળવી રહ્યા છે. મેરુપરની શાળાની ખાસ વાત એ છે કે અહીં શિક્ષકો ઓતપ્રોત બની શિક્ષણને રસપ્રદ બનાવે છે. તે ગીત પણ ગાય છે અને બાળકોના દોસ્ત પણ બની રહે છે. આ શાળામાં તમે જ્યારે પ્રવેશો ત્યારે જાણે કે અહીંની દિવાલો પણ તમારી સાથે જ્ઞાનની વાતો કરે છે.