મોરબીવાસીઓ 11મી ઓગષ્ટ 1979ના ગોઝારા દિવસને કદાપી ભુલી શકશે નહિ.. પાણીની જરૂરિયાત પુરી કરવા માટે બનાવવામાં આવેલા મચ્છુ ડેમના પાણી જ મોરબીવાસીઓ માટે કાળ બનીને ત્રાકટયાં હતાં.
સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીના ઇતિહાસમાં 11મી ઓગષ્ટ 1979નો દિવસ કાળી શાહીથી લખાયેલો છે. 42 વર્ષ પહેલાં પાણીથી તબાહ થયેલું શહેર આજે ફરી બેઠુ થયું છે. મચ્છુ 2 ડેમનો ધસમસતો જળપ્રવાહ સ્વજનોને ડૂબાડી ગયો,ઘર, માલ મિલકત સંપત્તિ અને સંતતિને તાણતો ગયો પરંતુ મોરબીવાસીઓના ખમીરને ડુબાડી શકયો ન હતો. ઘડીયાળ અને સિરામિક ટાઇલ્સ માટે જાણીતું મોરબી શહેર મચ્છુ ડેમની હોનારત બાદ બેઠું થઇ ચુકયું છે પણ 11મી ઓગષ્ટ 1979નો ગોઝારો દિવસ હજી મોરબીવાસીઓ ભુલ્યાં નથી.
મોરબી તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે મચ્છુ ડેમ બનાવવામાં આવ્યો હતો. 1979ના ઓગષ્ટ મહિનામાં મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહયાં હતાં. ભારે વરસાદ અને નદીમાં આવેલાં પુરના કારણે ડેમમાં પાણીની આવક થઇ રહી હતી અને જળસ્તરમાં વધારો થઇ રહયો હતો.
11મી ઓગષ્ટના દિવસે મચ્છુ ડેમમાં તેની ક્ષમતા કરતાં ત્રણ ગણું વધારે પાણી આવી ગયું હતું અને ડેમની દિવાલ તુટી પડી હતી. બંધના પાણી ધસમસતા હેઠવાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. મચ્છુ ડેમથી પાંચ કિમીના અંતરે આવેલું મોરબી શહેર પાણીના પ્રલયના કારણે ખંડેર બની ગયું હતું. આ હોનારતમાં 25 હજાર કરતાં વધારે લોકોના મૃત્યું થયાં હતાં. મોરબીમાં બનેલી આ હોનારતની ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ખરાબ બંધ હોનારત તરીકે નોંધ લેવામાં આવી છે. આ ઘટનાને આજે 11મી ઓગષ્ટના રોજ 42 વર્ષ પુર્ણ થઇ ચુકયાં છે. જે પોષતું તે મારતું તે ઉક્તિને અનુસરી મોરબી શહેર આજે ફરીથી ધમધમતું થયું છે. કનેકટ ગુજરાત પરિવાર ખમીરવંતા મોરબીવાસીઓને સલામ કરે છે.