નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.રાજપીપળામાં મશાલ રેલી બાદ કમલમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતા ભાજપમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
નર્મદા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડો.ધવલ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ડો.દર્શના દેશમુખના ભાઈ ડો.રવિ દેશમુખ સામે ફરિયાદ દર્જ કરાવી છે.જેમાં જણાવ્યું છે કે ડો.ધવલ પટેલ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશ તડવી 14 ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતે ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીમાં હાજર હતા.ત્યારે ડો.રવિ દેશમુખનો જિતેશ પર ફોન આવ્યો હતો અને મારી ટિકિટ કપાઈ હોવાની અફવા અંગે અપશબ્દો બોલી ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી.
ડો.ધવલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર ‘આ ઘટના બાદ તેઓ સાંજે કમલમ ઓફિસ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર ડો.રવિ દેશમુખે તેઓ પર હુમલો કરીને ખભા અને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી.હુમલા બાદ ડો.રવિ દેશમુખે ધાક ધમકી પણ આપી હતી.સમગ્ર ઘટના હાલમાં ભાજપ સહિત પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
આ ઘટના સમયે આ સમયે જિલ્લા પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય દર્શના દેશમુખ, પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર, યુવા મોરચાના પ્રભારી હરીકિશન, શ્રવણ તડવી, મનિષ તડવી અને જિલ્લા સદસ્ય કિરણ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હોવાનું પણ જાણવા મળ્યું છે.