Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની કરાશે ભવ્ય ઉજવણી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદ જીલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની કરાશે ભવ્ય ઉજવણી.
X

તા. 31મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદ જીલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મ જયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કર્યો છે, ત્યારે આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુન પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, 4 રાજ્યોની પોલીસ મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કૂલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યો છે, એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે. દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવવા નીકળ્યા છે. પશ્ચિમ ભારતમાંથી બીએસએફ અને રાયથનવાલા, બિકાનેર-રાજસ્થાની 723 કિલોમીટર સાઇકલ રેલી કાઢીને કેવડીયા આવી રહ્યા છે. ઉત્તર દિશાથી આઈટીબીપી, લદાખના સશસ્ત્ર દળના જવાનો 2793 કિલોમીટર લાંબી સાયકલ રેલી મારફતે કેવડીયા પહોંચી રહ્યા છે. પૂર્વ દિશામાં એસએસબી, ભૂતાન બોર્ડર, જલગાવ, પશ્ચિમ બંગાળથી 2347 કિલોમીટર લાંબી સાયકલ રેલી દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો કેવડીયા પહોંચી રહ્યા છે, જ્યારે મધ્ય ભારતના સીઆરપીએફ, ગડચિરોલી, મહારાષ્ટ્ર જવાનો 863 કિલોમીટર સાયકલ યાત્રા કરીને કેવડીયા પહોંચી રહ્યા છે. આ તમામ સાયકલ રેલી તા. 26મી ઓક્ટોબર સુધીમાં કેવડીયા પહોંચશે અને આ તમામ જવાનો પણ એકતા પરેડમાં સામેલ થશે.

Next Story