Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપૂત સમાજે તલવાર આરતી દ્વારા કરી માઁ શક્તિની અનોખી આરાધના...

X

નવરાત્રી એ માઁ શક્તિની આરાધના કરવાનું અનોખુ પર્વ છે. નવરાત્રીમાં દરેક માઈભક્તો પોતાની શક્તિ પ્રમાણે માઁ અંબાની ઉપાસના કરે છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત પૌરાણિક હરસિદ્ધિ માતાના મંદિરે રાજપૂત સમાજના યુવાનો માઁ હરસિદ્ધિની અનોખી રીતે પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

રાજપીપળા સ્થિત પૌરાણિક હરસિદ્ધિ માતાને રાજપૂતોની કુળદેવી માનવમાં આવે છે. લગભગ 444 વર્ષ પુરાણું હરસિદ્ધિ માતાના મંદિરની એક લોકવાયકા પ્રમાણે તે સમયના રાજવી વેરીસાલ સાથે માઁ હરસિદ્ધી ઉજ્જૈનથી રાજપીપળા આવ્યા હતા, અને તે કારણે જ રાજપૂતોમાં માઁ હરસિદ્ધી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. રાજપૂતોની કુળદેવી ગણાતી માઁ હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે, અને બીજું મંદિર નર્મદાના રાજપીપળા શહેરમાં છે, ત્યારે અહીં આસો સુદ છઠના દિવસે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં 200 જેટલા યુવાનો છેલ્લા 8 વર્ષથી રાજપૂતોની શૌર્ય સમી તલવાર બાજીથી માઁ હરસિદ્ધિની આરતી કરી લોકોને દંગ કરી રહ્યા છે. તો આ સાથે જ 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એક સાથે આરતીની ધૂનમાં તલવાર બાજી કરી,

ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં યુવાનોએ સતત તલવાર બાજી કરી માઁ હરસિદ્ધિની અનોખી આરાધના કરી હતી. આ વર્ષે તલવાર બાજી સહિતની મહાઆરતીની વિશેષતા એ હતી કે, માત્ર નર્મદા જ નહીં પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો હતો, ત્યારે છેલ્લા 2 મહિનાથી આરતી માટે મહાવરોએ તલવાર બાજીની તાલીમ લઈ અનોખી રીતે માઁ હરસિદ્ધિની આરતી કરી હતી. જેને જોવા માટે રાજપીપળા સહિત આસપાસના ગામોમાંથી લોકટોળા ઉમટી પડ્યા હતા.

Next Story
Share it