ગરુડેશ્વરના ચોપાટ ગામે રસ્તા-આરોગ્યની સુવિધાનો અભાવ
મહિલાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાની પરિજનોને ફરજ પડી
સગર્ભા મહિલા હોસ્પિટલ પહોચે તે પહેલા ઉપડી પ્રસૂતિની પીડા
સગર્ભા મહિલાએ અડધે રસ્તે જ બાળકને આપી દીધો જન્મ
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે કર્યા પ્રહારો
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાં રહેતી સગર્ભા મહિલા હોસ્પિટલ પહોચે તે પહેલા જ રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવે અડધે રસ્તે બાળકને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાંથી લોકોના હૈયા હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવના કારણે ફરી એક આદિવાસી સગર્ભા મહિલા સમયસર હોસ્પિટલ ન પહોચી હતી. એટલું જ નહીં, મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણીએ અડધે રસ્તે બાળકને જન્મ આપ્યો હતો.
ચોપાટ ગામમાં રહેતી સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઊપડતાં પરિવારના સભ્યો અને કેટલાક યુવાનોએ રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં ઉઠાવી પગદંડી કરી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. કારણ કે, સાંકડો માર્ગ હોવાથી કોઈ વાહન કે, એમ્બ્યુલન્સ ગામ સુધી પહોચી શકે તેમ નહોતું, જેથી મહિલાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાય રહી હતી, ત્યારે અસહ્ય દુખાવો ઊપડતાં તેણીએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો.
તો બીજી તરફ, વિકસિત ભારતની વાતો કરી વિશ્વભરમાં પોતાની વાહવહી મેળવતી ભાજપ સરકાર સામે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે, તેવા આદિવાસી વિસ્તારની આ વરવી વાસ્તવિકતા છે. આજે પણ અહીનો વિસ્તાર આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ સહિત રોડ-રસ્તાની માણખાકીય સુવિધાથી વંચિત રહેતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.