એકતાનગર ખાતે ભારત પર્વ-2025’ની ભવ્ય ઉજવણી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
લોકકળાની લોકપ્રિય ઝલક રાજસ્થાની કઠપુતળીનો ખેલ
રાજસ્થાની કઠપુતળીની કળાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા
કઠપુતળી કળા અમારી ઓળખ બની છે : પવન ભાટ
રાજસ્થાનની પરંપરાગત કઠપુતળી કળાએ ભારત પર્વમાં વિકસતી સંસ્કૃતિ અને એકતાનું રંગીન પ્રતિબિંબ આપ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે લોકકળાની લોકપ્રિય ઝલક એવી કઠપુતળીનો ખેલ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા.
“એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–2025માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એકવાર પોતાની ઓળખ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન ભાટ તથા તેમના કાકા મહિપાલ ભાટ છેલ્લા 25 વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવન ભાટએ જણાવ્યું હતું કે, “દાદા–પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે. પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતા, આજે સરકારની યોજનાઓ પ્રચાર–પ્રસારનું માધ્યમ બની ગઈ છે.
કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડામાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યા છે, ત્યારે આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.