શર્મિલાબેનની સંઘર્ષમય જીવનની સફળતા
પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા આત્મનિર્ભર
પતિના અવસાન બાદ મુશ્કેલીઓનો કર્યો સામનો
હાર માનવાને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી
જાતે ટ્રેક્ટર ચલાવી ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનાં શર્મિલાબેનની સંઘર્ષગાથા ગ્રામીણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.12વર્ષ પહેલાં પતિના અવસાન બાદ આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે તેમણે હિંમત દાખવી અને પોતાની ચાર એકર જમીનમાં જાતે ટ્રેક્ટર ચલાવી ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી’ શરૂ કરી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ગામના શર્મિલાબેન વસાવાએ પતિના અવસાન બાદ જીવનની મુશ્કેલીઓ સામે હાર માનવાને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમની મહેનત અને દ્રઢ નિશ્ચયના કારણે ખેતરમાં ઉગાડેલી પ્રાકૃતિક તુવેરના છોડ 10 ફૂટથી વધુ ઊંચાઈના બન્યા છે, જે આસપાસના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.શર્મિલાબેનના પતિનું 12 વર્ષ પહેલા અકાળે અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના બાદ પરિવાર, સંતાનો અને ખેતીની તમામ જવાબદારીઓ તેમના શીરે આવી પડી હતી.આર્થિક તંગી અને સામાજિક દબાણ છતાં તેમણે હિંમત ન હારી અને સંજોગોને પોતાની શક્તિ બનાવી દીધા છે. પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવકને ધ્યાનમાં રાખીને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સાહસિક નિર્ણય કર્યો છે.
છેલ્લા ચાર વર્ષથી, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.તેઓ ચાર એકર જમીનમાં જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતી કરે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માટે એક પ્રેરણાદાયક દ્રશ્ય છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે ખર્ચ ઘટાડ્યો અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખી છે.આજે શર્મિલાબેન પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યા છે.