Connect Gujarat
ગુજરાત

નર્મદા : તલવાર-સાફાની પૂજા વિધિ કરી ખાંડા સાથે દીકરીને સાસરે વળાવી, જુઓ રાજપૂત સમાજની અનોખી પરંપરા.

વર્ષો પહેલા રાજા રજવાડાઓના રાજ વખતે વેલ અને ખાંડુ પ્રથા ચાલતી હતી. આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી.

X

વર્ષો પહેલા રાજા રજવાડાઓના રાજ વખતે વેલ અને ખાંડુ પ્રથા ચાલતી હતી. આમ તો ગરાસિયા અને કાઠી દરબારો માટે અજાણી નથી. પરંતુ પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની અને આજના આધુનિક યુગમાં જૂની પરંપરા પ્રમાણે અનુસરવું એજ સંસ્કૃતિ છે, ત્યારે આવી જ એક પ્રથા નર્મદા જિલ્લાના રાઠોડ પરિવારે અનુસરી છે. તલવાર અને સાફાની પુજા વિધિ કરી ખાંડા સાથે દીકરીને વળાવી ભુજમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આજના વર્તમાન સમયમાં પ્રિવેડિંગ અને વિવિધ ડેની ઉજવણી સાથે અલગ અલગ થીમ બેઝ અને ગીતોમાં લગ્ન કરનાર યુવક-યુવતીઓ શૂટિંગ કરાવી રહ્યા છે. આવા સમયમાં જૂની સામાજિક પરંપરા ખાંડા પ્રથા કે, આજનો દીકરો કે, દીકરી માટે જેની કલ્પના પણ અશક્ય છે, ત્યારે મૂળ કાઠિયાવાડના અને હાલ નાંદોદ તાલુકાના રસેલા ગામના વતની છત્રસિંહ કાલુબાવા રાઠોડની દીકરી વિરાજબાના લગ્ન કચ્છ-ભુજના બિદડાના નિવાસી રવિરાજસિંહ સાથે નક્કી કર્યા છે. જોકે, ખાંડા પ્રથાની વાત આવી, ત્યારે શિક્ષિત યુવતી એ તરત જ પોતાના સમાજની પરંપરાને અપનાવવાની વાત કરી પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે ની વાત કરી ખાંડાં પ્રથાને સ્વીકારીને લગ્ન કર્યા છે. આ લગ્નમાં જાન આવી પરંતુ વરરાજા ન આવ્યા, ત્યારે વિરાજબા રાઠોડે પોતાની જાનમાં આવેલ તલવાર અને સાફોની સાથે પૂજા વિધિ કરી આ ખાંડા સાથે સાસરે વળાવી હતી. જોકે, હવે વિરાજબા ભુજ જઈને તેના મનના માણીગર યુવાન સાથે લગ્ન કરશે.

સામાન્ય રીતે જોઈએ તો, સમગ્ર ભારતના ગરાસિયા રાજપૂતોમાં પ્રચલિત એવી લગ્નની ખાંડું કે, વેલ પ્રથાની વર્તમાન સમયમાં આ પરંપરા ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે. આ સિવાયના લગભગ વિસ્તારમાં આ પ્રથા નહિવત પ્રમાણમાં છે. લગ્નની આ અનોખી પ્રથા કદાચ મધ્યયુગના સમયથી ચાલતી આવી છે. 1000 વર્ષો પહેલા રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે. અને સમય એવો હતો કે, એક બાજુ લગ્ન નક્કી થયા હોય અને બીજી બાજુ દુશ્મનો રાજ્યની સરહદ પર આવી ગયા હોય, ત્યારે રાજપૂત રાજા લગ્ન મંડપમાં જવાના બદલે રણ મેદાનમાં જવાનું પસંદ કરતાં. બીજી તરફ એના નામથી તલવારને મોકલવામાં આવતી અને આ દેશની રાજપુતાણી હસતા મુખે એ તલવાર સાથે સાસરીમાં આવી જતી. અને એટલે જ આ પ્રથામાં રાજપુતાણીના મહાન ત્યાગના દર્શન થાય છે.

જોકે, એમ કહી શકાય કે, રાજપુતાણીમાં ત્યાગ અને વ્યક્તિગત સુખોના સમર્પણના કારણે જ આ પ્રથા અસ્તિત્વ ટકાવી શકી છે. બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે, પહેલાના જમાનામાં લૂંટારૂઓ લગ્નપ્રસંગમાં લૂંટ કરતા કે, જાનને લૂંટી લેતા હતા. એટલે દીકરીને આવી રીતે સાસરીમાં લઇ જવાય એટલું જ નહીં કેટલાક લોકો દીકરીના પિતા પર જાનનો બોજ ન આવે એટલે આ પ્રથાને યથાવત રાખી છે, ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, આજે રાઠોડ પરિવારની દીકરી ખાંડા પ્રથા સાથે આજના યુગમાં વળાવી એ એક સંસ્કુતિની સાચી ઓળખ અને સમાજની સાચી રાજપૂતાણી કહેવાય. આજના આધુનિક યુગમાં પણ રાજપૂત સમાજના રાઠોડ પરિવારે જે પરંપરા જાળવી રાખી અને પોતાની દીકરીના લગ્ન ખાડાં સાથે કરી એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, જે ખરેખર સરાહનીય છે.

Next Story