નવરાત્રી મહોત્સવને લઈને ગૃહમંત્રીનું નિવેદન
હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે જણાવી ખુશીની વાત
નવરાત્રી ઉત્સવ દરમિયાન સમયની પાબંધી હવે નહીં નડે
આખી રાત જામશે ગરબાની રમઝટ
હર્ષ સંઘવીએ X પર વિડીયો અપલોડ કરીને આપી માહિતી
ગુજરાતમાં હવે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે.
ગુજરાતમાં નવરાત્રી મહોત્સવનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે ગરબા ખેલૈયાઓ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે,નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવે છે.આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે.'
હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રીની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણાં જ આજુબાજુના રહેતાં લોકો, હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.