/connect-gujarat/media/post_banners/a5ec43ea10ffd29fce9a062ac13114e394a51e7d3057909ed1b83836a06352b8.jpg)
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો પાણીમાં ગરકાવ થતાં પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આજે રવિવારની રજા હોય, ત્યારે નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. દરિયાકાંઠે લોકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા, ત્યારે નવસારીમાં રહેતા પરિવારને ત્યાં રાજસ્થાનથી મહેમાનો આવ્યા હતા. જેઓ આજે દાંડીના દરિયાકાંઠે ફરવા આવ્યા હતા, ત્યારે અલગ અલગ 3 પરિવારોના 7 લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા. જેમાં વિપુલ હળપતિ, રાકેશ અને અતિશ નામના 3 લોકોને પોલીસ જવાનો અને હોમગાર્ડે બચાવી લીધા હતા. જ્યારે દુર્ગા, યુવરાજ અને અન્ય 2 લોકો લાપતા થતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. દાંડીના દરિયામાં આજે મોટી ભરતી હોય, જેમાં 4 લોકો ડૂબી ગયાની જાણ થતા જ નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરવામાં આવી હતી. તો બનાવના પગલે જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં મોટી ભરતી છે. ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે, એ લોકોને પાણીનો ખ્યાન નથી આવતો. આજે જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે. સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં જેથી જાનહાનિ થાય નહીં. તો બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કરવામાં આવ્યા હતા.