Connect Gujarat
ગુજરાત

નવસારી : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગરના 8 પમ્પિંગ સ્ટેશનો બન્યા શોભાના ગાંઠિયા સમાન...

શહેરોની ગીચ વસ્તીમાંથી નીકળતું સુએઝનું પાણી ગંદકીમાં સતત વધારો કરી રહ્યું છે

X

શહેરોની ગીચ વસ્તીમાંથી નીકળતું સુએઝનું પાણી ગંદકીમાં સતત વધારો કરી રહ્યું છે, ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા પહેલા શહેરમાં પમ્પિંગ સ્ટેશનો બનાવી દેતા પાલિકાના સંચાલકોની અનઆવડત સામે સવાલો ઉભા થયા છે.

ગાયકવાડની જ્યારે સરકાર હતી, ત્યારે નવસારીની વસ્તી ૩૦૦૦ જેટલી હતી અને તે સમયે ગાયકવાડ સરકાર દ્વારા નાખવામાં આવેલી ગટર લાઇનો અત્યાર સુધી નવસારી પાલિકા દ્વારા ચલાવવામાં આવતી હતી. જેના કારણે લોકોના પીવાના પાણી અને ગટર લાઇનોના લિકેજના પાણીની મિક્સ થવાથી મોટાભાગના વિસ્તારોમાં દુર્ગંધ મારતું પાણી આવવાની સમસ્યા વકરી હતી, ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી પાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારમાંથી 80 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ પણ મંજૂર કરી દેવામાં આવી છે. પરંતુ પ્લાન્ટ હજી સુધી નાખવામાં આવ્યો નથી, ત્યારે તે પહેલા પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 જેટલા પમ્પિંગ સ્ટેશનો ઉભા કરી દીધા છે. જેની પાછળ 25 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેથી આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગરના પમ્પિંગ સ્ટેશનો માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ધનવર્ષા સાથે પાલિકાને સુંદર અને સુશોભિત બનાવવા માટે વરસી રહી છે, ત્યારે સત્તાધારીઓ અને વહીવટકર્તાઓ શું કરી રહ્યા છે, તે સમજની બહાર હોય તેવી પ્રતીતિ નવસારીના નગરજનો કરી રહ્યા છે. શહેરમાંથી નીકળતું ગંદુ પાણીને શુદ્ધ કરવા માટે પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો અતિશય મહત્વનું કામ હતું. તે માટે નગરપાલિકાએ 3 વાર જગ્યાઓ પણ બદલી અને છેલ્લે વેરાવળ ગામે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું નિર્ધારિત કર્યું હતું. પરંતુ 5 વર્ષ વીતી ગયા હોવા છતાં આ કામગીરી હજી પૂર્ણ થઇ શકી નથી. રસ્તાઓ ખોદી પાઇપલાઈન નાખવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે, જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, ત્યારે ફરી પાલિકાએ રસ્તાઓ ખોદી અને એમાં જોડાણ આપવું પડશે. જોકે, ફરી એકવાર પાલિકાએ શહેરના માર્ગો ખોદી આ કામગીરી પૂર્ણ કરવી પડશે. જેથી પાલિકા સંચાલકોની અનઆવડત સામે લોકોના મનમાં સવાલો ઉભા થયા છે.

Next Story