Connect Gujarat
ગુજરાત

નવસારી: આંગણવાડીના મકાનના અધૂરા કાર્યને લઈ બાળકો ઓટલા પર બેસી શિક્ષણ મેળવવા માટે મજબૂર !

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.

X

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા રાનવેરીખુર્દ ગામમાં દોઢ વર્ષથી આંગણવાડીની કામગીરી અધુરી રહેતા વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.

નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના મહાદેવ ફળિયા સ્થિત આંગણવાડીના મકાનનું બાંધકામ દોઢેક વર્ષ પૂર્વે શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી પરંતુ દોઢ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજે પણ બાંધકામ અધૂરી હાલતમાં છે.મહાદેવ ફળિયાની આંગણવાડીમાં હાલ 19 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે અને આંગણવાડીના અધૂરા કામને પગલે પ્રાથમિક શાળાના ઓટલા પર કારકિર્દી ઘડતરની પા પા પગલી ભરી રહ્યા છે.

અધુરી આંગણવાડીનું કામ પૂરું કરવા માટે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીનું બાંધકામ શરૂ થયું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલ સામાન બાંધકામમાં વાપરવામાં આવતા સ્થાનિકો દ્વારા એક સમયે કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને ગુણવત્તા પર માલસામાન વાપરવાની સૂચના આપતા એજન્સી કામ અધૂરું છોડીને જતી રહી હતી અને આજની તારીખે કામ પૂર્ણ ન થતા ભૂલકાઓ આજે પણ આંગણવાડીથી વંચિત છે. આ અંગે સ્થાનીકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ શરૂ કરાયું નથી ત્યારે સંબંધિત અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આંગણવાડીનું બાંધકામ ઝડપ થી પૂર્ણ કરાવે તે જરૂરી છે.

એક તરફ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે કરોડો રૂપિયા ખર્ચી પ્રવેશ મહોત્સવની ઉજવણી કરતી હોય છે પરંતુ ચીખલી તાલુકાના અંતરિયાળ ગામોમાં આવેલી આંગણવાડીઓની આ પરિસ્થિતિ જોઈ એ વિચાર આવે છે કે આવી રીતે ભણશે ગુજરાત ?

Next Story