નહેરનું પાણી ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ સમાન બનતું હોય છે. એમાં પણ ખાસ કરીને ચોમાસા બાદ અપાતું રોટેશન ડાંગરના પાક માટે ઘણું મહત્વનું હોય છે. તેવામાં નવસારીમાં 15 દિવસનું રોટેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પાણી ખેતર સુધી ન પહોંચતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નવસારી જિલ્લામાં મોટાભાગની ખેતી નહેરના પાણી પર આધારિત છે. ચોમાસામાં સારા વરસાદના કારણે ઉકાઇ ડેમ આ વખતે પૂરો ભરાયો છે, અને આખું વર્ષ ખેતર અને પીવા માટેનું પાણી ઉપલબ્ધ કરી શકાય પણ એક માસ નહેરમાં રિપેરીંગ થયા બાદ પાણી નહેરમાં આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી છે, ત્યારે છેલ્લા 4 દિવસથી નહેરનું પાણી ખેતરમાં ન આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગરની રોપણી બાદ તેને સતત પાણીની જરૂર હોય, ત્યારે પાણીના રોટેશનના કારણે ડાંગરના પાકને નુકસાની થવાની ભીતિ સેવાય રહી છે.
નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે 6 હજાર હેક્ટરમાં શિયાળુ ડાંગરની વાવણી કરવામાં આવી છે. સિંચાઇ વિભાગ દ્વારા નહેરની મરામત માટે દર વર્ષે એકથી દોઢ માસ નહેરનું પાણી બંધ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો શિયાળુ ડાંગરની રોપણી નહેરમાં પાણી આવ્યા બાદ જ કરે છે. આ વખતે પણ નહેરની મરામત બાદ પાણીનું રોટેશન શરૂ કરાયું હતું. પરંતુ નહેરના પાણી બંધ કરવામાં આવતા જે ખેડૂતોની વાવણી બાકી છે, અને જેમના ધરુની રોપણી થઈ ગઈ છે તેવા ધરુ માટે સતત પાણીની જરૂર હોય છે. જેમાં ખેડૂતો પાણીની પાળ બાંધીને તેમના ખેતરમાં વાળીને રોપણી કરી રહ્યા છે. તો બીજી તરફ, સિંચાઇ વિભાગ નહેરનું રોટેશન ડાંગરના પાક માટે અનુરૂપ આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી, ત્યારે રોટેશન રાબેતા મુજબ શરૂ થશે તેવી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે.