/connect-gujarat/media/post_banners/0da533a986975b17a2fefc5ae3ec4828cab675754f663e9ca85e6c95c333e2ee.jpg)
નવસારી અને ઉપરવાસમાં સારા વરસાદના પગલે જિલ્લામાં આવેલા 2 ડેમ સંપૂર્ણપણે ભરાયા છે, ત્યારે વાંસદા તાલુકામાં આવેલ જૂજ ડેમ પણ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં આસમાની વાદળો વધારે મહેરબાન બન્યા છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લો વરસાદી પાણીમાં છેલ્લા 3 દિવસથી ભીંજાય રહ્યો છે. લોકમાતા સાથે ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે નવસારી જિલ્લામાં આવેલ જૂજ ડેમ 167.55 પર પોહચતા ઓવરફલો થયો છે. જેને લઈને વાંસદા, ચીખલી અને ગણદેવી મળીને 24 ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કરી દીધા છે. હાલ જૂજ ડેમમાં 84.650 કુસેક પાણીની આવક થઈ રહી છે. જૂજ ડેમમાંથી વાંસદા તાલુકાના 17થી વધુ ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ડેમ ખાતે આવી અને નવા નીરના વધામણા કર્યા હતા. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ડેમ પર આવી પૂજા-અર્ચના કરી હતી. તો બીજી તરફ, ડેમ સંપૂર્ણ ભરાય જતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.