નવસારી : L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરતાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન...

ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી.

નવસારી : L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરતાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન...
New Update

નાંદરખા ગામના ખેડૂતોને આવ્યો હાલાકી વેઠવાનો વારો

ખેતીની જમીન સરકારી પ્રોજેક્ટના કામે L&Tએ લીધી ભાડે

L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ

ભાડામાં વિરોધાભાસ રાખી ખેડૂતો સાથે છેતરપીંડી આચરી

ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આંદોલન છેડાયું

નવસારીના નાંદરખા ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીન સરકારી પ્રોજેક્ટના કામ માટે ભાડે લઇ L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરવા સાથે જ ભાડામાં વિરોધાભાસ રાખી ખેડૂતો સાથે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આંદોલન છેડ્યું છે.

નવસારી જિલ્લામાંથી ભારત સરકારના એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી લાર્સન એન્ડ ટૂર્બો કંપની દ્વારા પોતાના કામદારોના રહેઠાણ માટે કોલોની અને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અંદાજે 38 ખેડૂતોની અંદાજે 40 વીઘાથી વધુ જમીન જમીન માલિકો સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં વાર્ષિક ભાડા પેટે એક વીઘાના 80 હજાર રૂપિયા અને જમીનમાં આવેલા ઉભા વૃક્ષોની પણ રકમ નક્કી કરી વળતર સાથે ભાડુ નક્કી કર્યુ હતુ.

પરંતુ કંપની દ્વારા 38 ખેડૂતોમાં એક જ પ્રકારનો ભાડા કરાર હોવા છતાં એમાં અલગ અલગ ભાડુ નક્કી કર્યુ, જયારે 10 ખેડૂતો જેમણે 6 મહિના બાદ કરાર કર્યો, એમને અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે ઉચ્ચક અને લાખોમાં ચુકવણું કર્યુ હતું. તો બીજી તરફ, ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી. જોકે, L&T કંપની દ્વારા ખેડૂતોને ભાડા વધારો પણ આપ્યો નહીં, સાથે જ તેમની જમીનમાં હતા એ વૃક્ષોનું યોગ્ય વળતર ગણવામાં ન આવ્યુ.

જમીનમાં ફક્ત સામાન મુકવા કે, રો-મટીરીયલ નાંખવાની વાત હતી. પણ બાદમાં જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવી અને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ બનાવીને જમીનની ફળદ્રૂપતા નષ્ટ કરી નાંખી હોવાના આક્ષેપો સાથે L&T કંપનીને જમીન ભાડે આપનાર ખેડૂતોએ 2 મહિના અગાઉ જિલ્લા કોંગ્રેસ સાથે મળીને ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરી હતી. જેમાં મામલતદાર, ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતું, અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપની અધિકારીઓ તૈયાર થયા હતા. પરંતુ 2 મહિના વીતવા છતાં પણ ખેડૂતોને ન્યાય નહીં મળતા ખેડૂતોએ આંદોલન છેડ્યુ છે.

જોકે, L&T કંપનીને અંદાજે 40 વીઘા જમીન ભાડે આપ્યા બાદ ભાડા અને વૃક્ષના વળતરમાં છેતરપીંડી કરનાર કંપની સામે મોરચો માંડનારા ખેડૂતોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને પીડિત ખેડૂતોએ ભાડે આપેલી પોતાની જમીનમાં જ ધરણા કરવા બેઠક લગાવી હતી. ન્યાયની માંગ સાથેના સુત્રોચ્ચાર તેમજ પ્લે-કાર્ડ પણ ખેડૂતો લાવ્યા હતા.

પરંતુ સ્થાનિક પોલીસે ધરણાની મંજૂરી ન હોવાનું જણાવી, તેમને ઉઠાડી મુકતા ખેડૂતો ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે ન્યાયની માંગણી કરી ભાડા અને વૃક્ષના વળતરનો તફાવત L&T કંપની પાસે અપાવવા રજૂઆત કરી હતી. જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષની સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

#Navsari #Anant Patel #અનંત પટેલ #નવસારી #L&T Company #L&T #MLA Anant Patel #MLA Anant Patel Protest #agreement #ભાડા કરાર #નાંદરખા ગામ
Here are a few more articles:
Read the Next Article