આતે કેવો વિકાસ છે...? મુશળધાર વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે મજબૂત ગણાતા નવસારી જિલ્લાના વાસદા તાલુકાના માર્ગો ખાડારૂપી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે, જેના દર્શન શહેર અને ગામના લોકો કરી રહ્યા છે. હા આ વિકાસમાં કદાચ હલકી ગુણવત્તા કે, પછી બીજું કંઈ... તે તો આવનારો સમય જ બતાવશે..!
નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં સિઝનનો 54 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. વાંસદા અને ડાંગ જિલ્લાને જોડતા માર્ગો બિસ્માર થતાં અનેક રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વાંસદા અને શામળાજીને જોડતા હાઇવે બિસ્માર હાલતમાં થતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આજે ખાડા મહોત્સવ યોજી સરકારના વિકાસ મોડેલની પોલ ખોલી નાખી હતી. રોડ-રસ્તા સારા આપવા એ રાજ્ય સરકાર અને સ્થાનિક ચૂંટાયેલી પાંખની પ્રથમ ફરજ છે, ત્યારે અતિવૃષ્ટિના કારણે વાંસદા તાલુકામાં અનેક જગ્યા પર રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા છે. અનેક વિસ્તારોમાં તો પરિસ્થિતિ એવી છે કે, જ્યાં વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને આજે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા નેશનલ હાઇવે નંબર 56 પર પડેલા ખાડા પાસે બેસી ખાડામાં ફૂલ-કંકુ વધેરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના આ વિરોધના કારણે નેશનલ હાઇવે નંબર 56 પર ભારે ચક્કાજામ સર્જાયો હતો. બનાવની જાણ વાસદા ટાઉન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ધારાસભ્ય અનંત પટેલને જગ્યા પરથી લઈ ગયા હતા. તો બીજી તરફ, ધારાસભ્યના આ વિરોધને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.