Connect Gujarat
ગુજરાત

નવસારી : મકાન તોડવા આવેલા MPના મજૂરો સોનાના સિક્કા ભરેલો ચરું લઈ ફરાર, MP પોલીસના બીલીમોરામાં ધામા..!

જુનવાણી સમયમાં બેન્કોની જગ્યાએ પોતાના ઘરોમાં જ માલ-મિલકત સંતાડીને રાખવામાં આવતી હતી, અને જે સમયાંતરે મળી આવતી હોય છે.

X

જુનવાણી સમયમાં બેન્કોની જગ્યાએ પોતાના ઘરોમાં જ માલ-મિલકત સંતાડીને રાખવામાં આવતી હતી, અને જે સમયાંતરે મળી આવતી હોય છે.એવી જ ઘટના ઘટી છે, નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં 150 વર્ષ જૂના ઘરમાં વર્ષો પહેલા સંતાડેલો ચરું મળી આવ્યો છે. જેને ઘર તોડવા આવેલા મધ્યપ્રદેશના મજૂરો લઈને ફરાર તો થઈ ગયા. પરંતુ વિવાદ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટ બંદર રોડ મસ્જિદ પાસે આશરે 6 માસ આગાઉ મુસ્લિમ પરિવારના શબ્બીર બલિયાવાલાનું વર્ષો જૂનું જર્જરિત મકાન ઉતારનાર મધ્યપ્રદેશના મજૂરોને કામે લગાડ્યા હતા. આ ઘર ઉતારતા સમયે મકાન તોડનાર મજૂરોના હાથે વર્ષ 1922ના અંગ્રેજોના સમયના ઐતિહાસિક સોનાના સિક્કા હાથે લાગ્યા હતા. આ સિક્કા મળ્યા અંગેની વાત મજૂરોએ કોઈને જણાવ્યા વિના અંદરો અંદર વહેંચી લીધા હતા, અને મકાન ઉતારી તેઓ પોતાના ગામ મધ્યપ્રદેશ જતાં રહ્યા હતા. જેમાંથી એક મજૂરના સિક્કાઓ ચોરાઇ જતા તેણે અલીરાજપુરના પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. જેની તપાસમાં મધ્યપ્રદેશની પોલીસ બીલીમોરા ખાતે જે ઘર ઉતારતા સમયે આ સિક્કા મળ્યા હતા, તે સ્થળની મુલાકાત લઈ જેમનું ઘર હતું, તે આગાઉથી કોના નામે હતું, અને તેમને વડીલોપાર્જિત હતું કે, કેમ તેની તપાસ કરી રહી હતી. તેમજ આ અંગે ઘરના સદસ્યોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ સમગ્ર તપાસ મધ્યપ્રદેશથી આવેલ પોલીસ ઇન્સ્પેકટર મોહન ડાવર અને તેમની ટીમ કરી રહી છે. જેઓ બીલીમોરાની તપાસ પૂર્ણ થયાં બાદ રવાના થશે. જોકે, આ ઘટના અંગેની સંપૂર્ણ તપાસ મધ્યપ્રદેશ ખાતે થઈ રહી છે. આ પ્રાચીન સિક્કાઓની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, ત્યારે આ ઘટના માં શું બહાર આવશે તેતો આગામી સમયમાં જ ખબર પડશે.

Next Story