નવસારી-વિજલપોર નગરપાલિકાની બેદરકારીથી મૃત્યુ પામેલા બીલીમોરાના મૃતક યુવાનના પરિવારજનોએ ખાડી પાસે મોતના કુવા નામનું બેનર લગાવી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ જવાબદારોને ટ્રાન્સફર કે, સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવાની માંગ કરી હતી.
ગત તા. 22મી જુલાઈએ નવસારી શહેરમાં 2 કલાકમાં 9 ઇંચથી વધુથી વરસાદ નોંધાતા સડકો, ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. સમગ્ર શહેર જળ બંબાકાર થઈ રહ્યું હતું. તો બીજી તરફ કરુણ ઘટના પણ સામે આવી હતી. જેમાં બીલીમોરાનો 19 વર્ષીય યુવાન વીરસિંહ સરદાર પિતાની સાથે પાલિકાની ખાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો, અને તે પાણીના વહેણમાં ખેંચાઈ જતા મોતને ભેટયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મૃતક યુવાનના પરિવારજનોએ ઘટના સ્થળ પર શોપિંગ સેન્ટર પાસે આવી ખાડી પર “મોતનો કૂવો” લખાણવાળું બેનર લગાવી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. મૃતકના પરિજનોએ વોર્ડ નંબર 13ના તમામ નગરસેવકોની કામગીરીને પણ ઢીલી ગણાવી હતી. આવા નગર સેવકોએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી.