Connect Gujarat
ગુજરાત

નવસારી : અમલસાડી ચીકુના સ્વાદ રસિયાઓને માવઠાએ આપ્યા માઠા સમાચાર..!

ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે.

X

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સમગ્ર જીવ સૃષ્ટિને વિપરીત અસર થઈ રહી છે. જેમાં બાગાયતનો બગીચો ગણાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ માથે હાથ દઇ રડવાનો વારો આવે તેવી સ્થિતિ નિર્માણ થયું છે. નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોને એક મણના 100 રૂપિયા જેટલા ઓછા ભાવ મળી રહ્યા છે.

ઉત્તર ભારતમાં નિકાસ થતા દક્ષિણ ગુજરાતના ચીકુ પકવતા ખેડૂતોના માથે ગ્રહણ બેઠાની સ્થિતિ નિર્માણ થઈ છે. ટ્રેન તથા વાહન વ્યવહાર માર્ગે દક્ષિણ ગુજરાતના ચીકુ મહારાષ્ટ્ર દિલ્હી તથા ઉતરપ્રદેશના બજારોમાં ઠાલવવામાં આવે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર ચીકુ પાક પર થઈ છે. ફળો નાના અને અપરિપક્વ હોવાના કારણે બજારમાં કિંમત ઘટી છે. એક મણના રૂ. 800 કે 1 હજાર મળતા હતા. જે ઘટીને હવે 200 કે 300 રૂપિયા જ મળી રહ્યા છે. માર્ચ મહિના દરમિયાન બજારમાં ચીકુ ઉપરાંત અન્ય ફળો મળતા નથી. જેના કારણે ખેડૂતોને માર્ચ મહિનામાં સારા ભાવ મળતા હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે ચીકુના પાકને મોટી અસર થઈ છે. જેથી ખેડૂતોએ મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મંડળી એટલે અમલસાડ મંડળી. અમલસાડ મંડળીમાંથી રોજ લાખો ટન ચીકુનું નિકાસ કરવામાં આવે છે, ત્યારે અમલસાડ મંડળીમાં 10 હજાર મણ ચીકુની આવક રોજની થઈ રહી છે. જેની સામે જાવક ઘટી રહી છે. કારણ કે, અમલસાડથી દિલ્હી, મહારાષ્ટ્ર, જયપુર જેવા રાજ્યોમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકો મળી નથી રહ્યા. તો જે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, એ ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો ન જતા આ વખતે મંડળીએ અંદાજિત 10 લાખ રૂપિયાની ખોટ ખાવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની અસરની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે નવસારી જિલ્લાના જલાલપુર અને ગણદેવી સહિતના તાલુકામાં રાત્રિ સમયે કમૌસમી વરસાદ વરસ્યો હતો, જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા તો વધી છે, આ સાથે જ ચીકુનો પાક પણ ફરીથી નિષ્ફળ જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પહેલા જ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. ખેતીવાડી વિભાગમાં અત્યાર સુધી ખેતીમાં નુકસાન અંગેની કોઈ ખેડૂતે માહિતી આપી નથી. પરંતુ જો ખેડૂતો પાસેથી આની માહિતી મળશે તો આગામી સમયમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

Next Story