નવસારી જિલ્લાના વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ ગતરોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યના સમર્થકોએ આક્રોશ રેલી યોજી હતી. જોકે, રેલી દરમ્યાન સમર્થકોએ કર્યો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં ધારાસભ્ય સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
નવસારીના વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. ગતરોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની ઉપસ્થિતિમાં સભા પૂર્ણ થયા બાદ લુંસીકુઈથી કલેક્ટર કચેરી સુધી આદિવાસી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અનંત પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં ધારાસભ્ય સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અનંત પટેલની આદિવાસી આક્રોશ રેલીને જુદી-જુદી 22 શરતોને આધીન મંજૂરી અપાઈ હતી. કલેક્ટર કચેરીના 200 મીટર વિસ્તારમાં સરઘસ, ધરણા, સભા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ ઉપરાંત સમય મર્યાદા કરતા પોણા ત્રણ કલાક વધુ રેલી કાર્યરત રહી હતી. જોકે, કલેક્ટર કચેરીમાં પોલીસે સમજાવવા છતાં પણ સભામાં DJ પર ભાષણો ચાલુ રાખવામાં આવ્યાં હતા.
એટલું જ નહીં, જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા 5 આગેવાનોના નામોની યાદી ન આપી કલેક્ટરને નીચે બોલાવી આવેદન પત્ર સ્વિકારવાની માંગ કરી હતી. રેલીની મંજૂરીની 22 શરતોમાંથી 5થી વધુ શરતોનો ભંગ કરતા મંજૂરી રદ્દ થતા વાંસદાના કોંગી ધારાસભ્ય સહિત 11 આદિવાસી આગેવાનો પર જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.