/connect-gujarat/media/media_files/2025/11/05/birsa-munda-2025-11-05-14-52-11.jpeg)
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ 1થી 15મી નવેમ્બર, 2025 દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 7થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રૂટ નં-1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિમી અને રૂટ નં-2 અંબાજીથી એકતાનગર સુધી 713 કિમી એમ કુલ 1,378 કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ તા.15મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી પી.સી.બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા 'જનજાતીય ગૌરવ રથયાત્રા'નું રાજ્યના 14 જિલ્લાઓના 88 જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે.