પંચમહાલ કાલોલના બાકરોલ રેલ્વે સ્ટેશન સ્થિત રેલ્વે કોલોનીના પાછળના ભાગમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત મૃતકની સુસાઈડ નોટમાં પોતે રમી રમવાને કારણે રૂ. ૩ લાખ હારી જતાં ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો પંચમહાલ કાલોલ તાલુકાના બાકરોલ રેલ્વે સ્ટેશન સ્થિત રેલ્વે કોલોનીના પાછળના ભાગમાં રેલ્વે ઓવરબ્રિજની મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટના અંગે મૃતક પાસેથી રેલવે પોલીસને મળી આવેલ સુસાઈડ નોટમાં પોતે રમી રમવાને કારણે રૂ. ૩ લાખ હારી જતાં ડિપ્રેશનમાં પોતે ફાંસી લગાવી હોવાનો ઉલ્લેખે રમી સહિત ઓનલાઇન જુગાર રમતા શોખીનો માટે એક લાલબત્તી સમાન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રેલ્વે પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ રેલ્વે સ્ટેશન પાસે નવી બની રહેલી રેલ્વે કોલોનીના નવા બનાવેલ મકાનના પાછળના ભાગે વિનોદભાઇ શંકરભાઇ પારઘી (ઉ.વ.૩૦, રહે. ગામ ઘાટીયા, તા.જી.જાબુંઆ, મધ્યપ્રદેશ)નો લોખંડની બારીના સળીયા સાથે દોરડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટના અંગે રેલ્વે પોલીસને જાણ કરતા રેલ્વે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકનો મૃતદેહ કબજે કરી પ્રાથમિક તપાસ કરતાં એ મૃતદેહ બાકરોલ ફાટક પર બની રહેલા રેલ્વે ઓવરબ્રિજની કામગીરી માટે મજૂરીકામ માટે મધ્યપ્રદેશથી આવેલા વિનોદ પારઘીનો હોવાનું જાણવા મળ્યું હતું જે તેના શ્રમિક મિત્રો સાથે આવ્યો હતો અને રેલ્વે કોલોનીની આસપાસના ઝુંપડામાં રહેતો હતો અને ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન છુટક મજુરી કરતો હતો.
જોકે રેલ્વે પોલીસને મૃતક પાસેથી હિન્દીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેને તેના કોઈ મામાને સંદર્ભે "મેં બહોત ડિપ્રેશનમેં હું.. મેં ફાંસી લગા રહા હું, રૂપિયા ૩ લાખ રમીમેં હાર ગયા, કુછ સમજમેં નહીં આતા હૈ ઈસીલિયે ખુદ કો ફાંસી લગા રહા હું, ઘરવાલો કો કહેના મુજે માફ કર દે' તેવો ઉલ્લેખ કરીને રેલ્વે કોલોનીના પાછળના ભાગમાં એક ટૂંકા દોરડા વડે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાનું પ્રાથમિક તારણ અનુસાર તેના પરિચિત શ્રમિકોમાં ભારે શોક વર્તાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે રેલ્વે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપીને ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.