પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે PM મોદીના હસ્તે રૂપિયા 885 કરોડથી વધુના ખર્ચે આદિવાસી સમાજના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના કકરોલિયાથી શ્રી ગોવિદ ગુરુ યુનિવર્સીટી-ગોધરાના રૂપિયા 52 કરોડના ખર્ચે નવનિર્મિત વહીવટી સંકુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે જાંબુઘોડાના વડેફ ગામે સંત જોરીયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને તેના પટાંગણમાં જોરીયા પરમેશ્વરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, PMએ જાંબુઘોડાના જ દાંડિયાપુરા ગામે રૂપસિંહ નાયક પ્રાથમિક શાળાનું અને શાળામાં જ બનાવવામાં આવેલી રૂપસિંહ નાયકની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. આ ઉપરાંત રૂપિયા 522 કરોડના ખર્ચે વિકાસ પામનાર GMERS-ગોધરા, રૂપિયા 164 કરોડથી વધુના ખર્ચે શીલજ-અમદાવાદ ખાતે વિકાસ પામનાર કૌશલ્યા-ધ સ્કીલ યુનીવર્સીટી અને રૂપિયા 23 કરોડથી વધુના ખર્ચે ગોધરામાં વિકાસ પામનાર કેન્દ્રીય વિદ્યાલય સંકુલનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.