ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલાં કરૂણ મોત નીપજ્યું
મહિલાનું મોત નિપજતાં પરિજનોએ મચાવ્યો હોબાળો
અંકુર હોસ્પિટલ સામે કર્યા ગંભીર બેદરકારીના આક્ષેપો
હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા
મહિલાના મોતનો મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલાં કરૂણ મોત નિપજતાં પરિવારજનોએ હાલોલની ખાનગી અંકુર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના હાલોલની અંકુર હોસ્પિટલમાં ગર્ભવતી પાયલબેન દંતાણીની નિયમિત સારવાર ચાલતી હતી. મહિલાને 9 મહિના પૂરા થતાં તેમને અચાનક દુ:ખાવો ઉપડતાં અંકુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ફરજ પરના તબીબે મહિલાની યોગ્ય તપાસ કર્યા વિના જ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ મહિલાને હાલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાય હતી, જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, તબીબોએ મહિલાના ગર્ભમાં જોડિયા બાળકો હોવાનું પણ જણાવ્યું હતું.
દુનિયા જુએ એ પહેલાં જ ગર્ભમાં રહેલા જુડવા બાળકો જન્મી શક્યા ન હતા, ત્યારે મહિલા અને જુડવા બાળકોના મૃત્યુથી આઘાતમાં સરેલા પરિવારજનોએ અંકુર હોસ્પિટલની બેદરકારીને મહિલાના મોત માટે જવાબદાર ઠેરવી છે.
તો બીજી તરફ, મહિલાના મોતથી રોષે ભરાયેલા દંતાણી સમાજના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા. તેમની એક જ માંગ છે કે, જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને જવાબદાર હોસ્પિટલ સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. આ તરફ, અંકુર હોસ્પિટલના ડો. દિપક પટેલે જણાવ્યું હતું કે, પાયલબેન દંતાણીને પ્રસૂતિની પીડા ન હતી. તપાસમાં તેમને ગભરામણ અને અન્ય કોઈ તકલીફ જેમ કે, હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણ હોવાની શક્યતા જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલે પરિવારજનો દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા છે.