પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે ઉપર હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલા પ્રભા બ્રિજ પરનું કામ R&Bના સત્તાધીશો દ્વારા હજુ થોડા જ સમય પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે આ બ્રિજની સાઈડમાં આવેલ દીવાલમાં તિરાડો અને સળિયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
ગોધરા શહેરમાં દાહોદ હાઈવે ઉપર થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવેલ પ્રભા બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ હોવાની આશંકા આજુબાજુમાં રહેતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, બ્રિજની કામગીરી દરમિયાન કામ કરનાર એજેન્સીએ ટેન્ડરની શરતો અને ધારાધોરણ મુજબ મટીરિયલ વાપરવાનું હોય તેના બદલે હલકી કક્ષાનું મટીરિયલ અને સિમેન્ટ વાપરવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. બ્રિજની સાઈડમાં દીવાલની કામગીરી નબળી હોવાના કારણે મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હાલમાં આ બ્રિજ પર ડામર પાથરીને વહેલી તકે આ રસ્તાનો ઉપયોગ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે દીવાલમાં તિરાડો પડી જતા બ્રિજની આજુબાજુ રહેતા લોકોને આ દીવાલ તૂટીને પોતાના ઘરો ઉપર ન પડે તેવી ભીતિ સેવી રહ્યા છે. R&Bના સતાધીશોને આજુબાજુમાં રહેતા રહીશોની નહીં પરંતુ આ રસ્તાને વહેલી તકે શરૂ કરવાની પડી હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.