Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ચોમાસાની શરૂઆતથી જ બોરડી ગામના માર્ગ પાણીથી ઉભરાયા, સ્થાનિકોને હાલાકી

હાલ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, હજુ તો મેઘરાજા મન મુકીને વરસ્યા પણ નથી, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ બોરડી ગામના રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે

X

હાલ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, હજુ તો મેઘરાજા મન મુકીને વરસ્યા પણ નથી, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ બોરડી ગામના રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની આવી દશાના કારણે બોરડીના રહીશો ચિંતાતુર બન્યા છે.

હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં તો અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીઓ માટે અગાઉથી જ ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે છે. પરંતુ વહીવટ કર્તાઓ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ ઉપર જ દેખાડવામાં આવી રહી હોય તેવા જ દ્રશ્યો કંઈક પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે જોવા મળ્યા હતા. બોરડી ગામે વિકાસના કામો ન કરવામાં આવતા રોડ-રસ્તા હાલ તો ખાડાઓમાં ફેરવાઈ ગયા છે. ગામના નિશાળ ફળિયાના રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓને ખૂબ હાલાકી પડી રહી છે. તો સાથે જ રોડ પર પાણી ભરાતા મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. જેને લીધે નાના ભૂલકાઓ અને લોકોમાં રોગચાળો ફેલાય તેવી સંભાવના વર્તાઇ રહી છે. આવી પરિસ્થિતિને દુર કરવા માટે ફળિયાના રહીશો દ્વારા સરપંચ તથા તલાટી કમ મંત્રીને મૌખિક રીતે રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, ત્યારે રહીશો દ્વારા પોતાની જાત મહેનતે જ રસ્તા પરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે, વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story