પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.પંચમહાલ જિલ્લાના આ ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળ ચાંપાનેર-પાવાગઢને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જો આપવામાં આવતા અત્રે આવેલા 39 જેટલા ઐતિહાસિક સ્થાપત્યોની વૈશ્વિક ફલક ઉપર નોંધ લેવામાં આવી છે.ઐતિહાસિક સ્થાપત્યોની સાથે સાથે પાવાગઢ ડુંગર ખાતે આવેલ આસ્થા, શક્તિ, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર મહાકાળી મંદિરને પણ નવનિર્મિત કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે.