ભારત દેશમાં દુધમાં સાકળની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નુતન વર્ષ છે. ઉદવાડા સહિત રાજયમાં વિવિધ સ્થળોએ આવેલી અગિયારીઓ ખાતે પારસીબંધુઓએ અગ્નિ દેવતાની પુજા કરી હતી તેમજ એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓ ને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારત માં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદિ રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દુધમાં સાકળની જેમ ભળી ગયાં છે. વલસાડ જિલ્લામાં આવેલાં ઉદવાડાને પારસી સમાજનું કાશી કહેવામાં આવે છે. આજે નુતન વર્ષના પાવન અવસરે પારસી બંધુઓએ આશત બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પુજા- અર્ચના કરી હતી. પારસી સમાજના ધર્મગુરૂ દસ્તુર સાહેબે તમામ પારસી બંધુઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે.
હીંદુ કેલેન્ડર વર્ષ 365 દિવસનું હોય છે પણ પારસી સમાજના વર્ષમાં 360 દિવસ હોય છે. નુતન વર્ષના આગળના દિવસે પારસી સમાજ પતેતીના પર્વની ઉજવણી કરે છે. જેમાં વર્ષ દરમિયાન થયેલી ભુલો માટે પ્રાયશ્ચિત કરેછે..અને બીજા દિવસે નવાવર્ષ ની ઉજવણી કરે છે. નુતન વર્ષના દિવસે કરવામાં આવતી પુજાની વાત કરવામાં આવે તો અગિયારીમાં 24 કલાક અગ્નિ પ્રજવલ્લિત રહે છે. પારસીબંધુઓ અગ્નિ દેવતાને સુખડની લાકડીઓ અર્પણ કરે છે. નવસારી શહેર તથા જિલ્લામાં વસતા પારસી બંધુઓએ પણ તેમના નુતન વર્ષની ઉજવણી કરી હતી.