પાટણ: વિસર્જનનાં પ્રસંગમાં કરુણાંતિકા સર્જાઈ,સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા-પુત્રો સહિત ચારના મોત

સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા

New Update

પાટણમાં વિસર્જન પ્રસંગે સર્જાઈ કરુણાંતિકા

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં બની ગોઝારી ઘટના 

એક જ પરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબ્યા 

વેરાઈ ચકલામાં શોકની કાલિમા છવાઈ

એક સાથે ચાર અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું   

ઉત્તર ગુજરાતના પાટણમાં વિઘ્નહર્તા દેવનો પાંચમા દિવસનો વિસર્જન નો પ્રસંગ પ્રજાપતિ પરિવાર માટે કાળનો અવસર બન્યો હતો,સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવતા ગામ હિબકે ચડ્યું હતું.મૃતકોની અંતિમ યાત્રાએ સૌને શોકમગ્ન કરી દીધા હતા.

પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતાબે પુત્રો અને મામાનાં મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.નીતિશ પ્રજાપતિના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.

નીતિશ પ્રજાપતિના પરિવારે પાંચ દિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું હતું,અને બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા.

તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.

ચારેય લોકોની અંતિમવિધિ માટે મૃતદેહોનો પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અંતિમ સંસ્કારના પ્રસંગે ગામ આખું હિબકે ચડ્યું હતું,અને ભારે આક્રંદથી વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.

Latest Stories