પાટણ શહેરના રશિયન નગરના લોકો છેલ્લા 3 માસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે સ્થાનિક મહિલાઓએ પાલિકા પરિસરમાં પાણી મુદ્દે થાળી વેલણ વગાડી માટલાં ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, પીવાના પાણી માટેની સમસ્યાઓ, સ્વચ્છતા માટેની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને હાલમાં પાટણના નગરજનો અનેક યાતના ભોગવી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 મહિનાથી પાણી માટે વલખાં મારતા શહેરના રશિયન નગરના રહીશો થાળી-વેલણ વગાડતા વગાડતા પાલિકા પરિસર ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં નગરપાલિકા પ્રમુખની ચેમ્બર બહાર માટલાં ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાલિકાના સત્તાધીશો અને આ વિસ્તારના કોર્પોરેટર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી નહીં આવતા નાછૂટકે રહીશોને પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. પાલિકાના નિયમિત વેરા ભરવા છતાં પણ રશિયન નગરના રહીશોને પાણી માટે વલખાં મારવા પડતા હોય, ત્યારે મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.