Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોને થયું મોટા પાયે નુકશાન..!

કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું

X

રાધનપુર તાલુકા વરસ્યો હતો કમોસમી વરસાદ

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન

સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ

પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું છે.

ખેડૂતોએ મોંઘા ભાવનું વાવેતર કરેલ બિયારણ, ખેળ-ખાતર જેવા અન્ય ખર્ચાઓ કરી રવિ સિઝન માટે નર્મદા નિગમની કેનાલો દ્વારા પાણી મળતા ખેડૂતોએ વાવેતર કર્યું હતું. સારો પાક આવવાની ખેડૂતોની આશાઓ પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. તેવામાં ખેડૂતોએ વાવેતર કરેલો તમામ પાક નિષ્ફળ જતાં આફત આવી પડી છે. આવા સંકટ સમયે ધરતીપુત્રો સરકાર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે. જેમાં ખેડૂતોને સરકાર મદદ કરે તેવી રાવ ઊઠવા પામી છે.

રાધનપુર, સાતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય ખેડૂતોએ વાવેતર કરેલ હજારો હેક્ટરની અંદરનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોની હાલત કફોળી બની છે. તેવા સમયે સરકાર ખેડૂતોને મદદ કરે તેવો પત્ર પણ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે, ત્યારે હવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story