પાટણ જિલ્લાના રાધનપુરમાં મસાલી રોડ પર ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા છે. ખુલ્લી ગટરમાં એક નાની બાળકી પડી જતા મહિલાઓ રોષે ભરાઈ હતી. રણચંડી બનેલી મહિલાઓએ ચક્કાજામ કરી પાલિકા તંત્રનો હુરિયો બોલાવ્યો હતો.
ખુલ્લી ગટરમાં એક નાની બાળકી પડી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે. આજ સ્થાન પર ધારાસભ્ય લવિંગજી સોલંકીનું પણ નિવાસ્થાન આવેલું છે. પરંતુ તેમ છતાં સ્થાનિકોની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નહોતું, જ્યારે એક નાની બાળકી ખુલ્લી ગટરમાં પડતા મહિલાઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, અને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યાબેન સોની તેમજ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોષી સાથે મળીને સ્થાનિક મહિલાઓએ આ માર્ગ પર માનવ સાંકળ રચીને ચક્કાજામ કરતા ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. આ સાથે જ મહિલાઓએ નગરપાલિકા તંત્રનો હુરિયો બોલાવી આક્રોશપૂર્વક વિરોધ વ્યક્ત કર્યો હતો.