ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરવામાં આવી છે. તેમના કાર્યકાળમાં રાજયમાં વિધાનસભાની 8 બેઠકો માટે યોજાયેલી પેટાચુંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારબાદ યોજાયેલી છ મહાનગરપાલિકાઓની ચુંટણીમાં તમામ છ મહાનગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે.
મહાનગરપાલિકા બાદ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચુંટણીમાં પણ ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યો છે.મંગળવારના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપે 44માંથી 41 બેઠકો કબજે કરી છે. સી.આર. પાટીલના આ વિજયરથને તેમનો પરિવાર આગળ ધપાવી રહયો છે. સી.આર.પાટીલના પુત્રી ધરતીબેન દેવરેએ મહારાષ્ટ્રના ધુળે જિલ્લા પંચાયતની લામકડી બેઠક પરથી ભાજપ તરફથી ઝંપલાવ્યું હતું. તેઓ આ બેઠક પરથી વિજેતા બન્યાં છે. આમ પિતાના પગલે ચાલી પુત્રી પણ હવે રાજકારણમાં કાઠુ કાઢી રહી છે.