Connect Gujarat
ગુજરાત

PM મોદીએ બનાસકાંઠાને 6909 કરોડના વિકાસ કામોની ભેટ આપી, મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું

વડાપ્રધાન મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

X

વડાપ્રધાન મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા બે દશકા દરમિયાન બનાસકાંઠાની તસવીર બદલાઈ ગઈ છે. બનાસકાંઠાના અંબાજી પહોંચેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજીમાં જાહેરસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન અંબાજી મંદિર પહોંચ્યા હતા. અહીં મા અંબાના દર્શન કરી પૂજા કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વિકસતી જાતિ કલ્યાણ, ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે,તારંગા હિલ, અંબાજી, આબુ રોડ , મહેસાણા રેલવે લાઈનનો શિલાન્યાસ થયો છે. અહીં રેલ લાઈન નાખવાનો અંગ્રેજોના સમયમાં નિર્ણય થયો હતો. પણ 100 વર્ષ સુધી ફાઈલો પડી રહી.

વડાપ્રધાને કહ્યું કે, બનાસકાંઠાની જે સ્થિતિ બદલાઈ છે તેમાં મહિલાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. નર્મદાના નીર, સુજલામ સુફલામ અને ડ્રીપ ઈરીગેશને સ્થિતિ બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે. બનાસકાંઠામાં દાડમ, બટાટા અને ટામેટાનું આટલા મોટા પાયે ઉત્પાદન થાય તેવું થોડા વર્ષો પહેલા કોઈ વિચારી પણ શક્તું ન હતું. આજે જે પરિયોજના શરૂ થઈ છે તે કિસાનો યુવાઓ અમે મહિલાઓનું જીવન બદલવાનું કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ગૌમાતા ગૌવંશના નિભાવવા માટેની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં નવરાત્રિના પાવન પર્વ અવસરે ગુજરાતના ગૌ વંશ અને ગૌમાતાના રખરખાવ નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવશે. વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોન્ચિંગ સમયે પાંચ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સહાયની રકમ અર્પણ કરવામાં આવી.

Next Story