પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ ડ્રાઈવનો મામલો
આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરવા મુદ્દે માથાકૂટ
આર્મી જવાને કર્યો પોલીસ પર હુમલો
પોલીસે આર્મી જવાનની કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના વડુમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડ બાદ તેના વિરુદ્ધ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના વડુમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી,અને જાહેર માર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ યુવક આર્મી જવાન હોવાનું જાણવા મળ્યું હતું.
તલોદ તાલુકાના પોયડા ગામના 28 વર્ષીય આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ 3 સપ્ટેમ્બરના રોજ આરોપી આર્મી જવાન પોતાની કાળી ફિલ્મ લગાવેલી અલ્ટો કાર લઈને હિંમતનગર-મોતીપુરા બાયપાસ રોડ પર નીકળ્યો હતો.
આ દરમિયાન સિટી ટ્રાફિક શાખાના ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેને રોકી કાળા કાચ રાખવા બાબતે પરમીટ તથા ગાડીના ડોક્યુમેન્ટ, લાયસન્સ માંગ્યા હતા. જો કે આર્મી જવાને પોતાની પાસે ડોક્યુમેન્ટ નહીં હોવાનું જણાવી હું સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં છુ, આર્મીમાં છુ અને મારા માસા પોલીસમાં છે તેમ જણાવી લાયસન્સ તથા ગાડીના કાગળો નહીં બતાવી, કાળા કાચની ફ્રેમ (બ્લેક ફિલ્મ) નીકળશે નહીં અને અમારી ગાડીને કોઈએ અડવું નહીં તેમ કહી પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને અપશબ્દો સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી.
આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર રહેલા પોલીસ કર્મચારીના બોડીવોર્ન કેમેરામાં રેકોર્ડ થઇ છે. આ ઘટનામાં આરોપી આર્મી જવાને પોલીસકર્મી હિતેન્દ્રસિંહની વર્દીના બે બટન તથા નેમ પ્લેટ તથા વ્હીસલ ગાર્ડ તોડી નાખ્યા હતા.ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને અન્ય પોલીસકર્મી દક્ષરાજસિંહના મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આ આર્મી જવાનની ધરપકડ કરવામાં આવી હતી અને સાંજે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી હિતેન્દ્રસિંહે આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આર્મી જવાન અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલી આ મારામારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બીજી બાજુ નિવૃત્ત આર્મી જવાનોએ DYSPને મળીને સાંજ સુધીમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે.