દાંતામાં ફોરેસ્ટની જમીનનો વિવાદ
પોલીસ-ફોરેસ્ટની ટીમ પર હિંસક હુમલો
પથ્થર અને તીર કામઠાંથી હુમલો
PI સહિત 45થી વધુ જવાન ઘાયલ
અંબાજી પોલીસે શરૂ કરી તપાસ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે જંગલ ખાતાની જમીન વિવાદમાં પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર હિંસક હુમલો થયો હતો,જેમાં હુમલાખોરોએ પથ્થર અને તીર કામઠાથી હુમલો કર્યો હતો.આ હુમલામાં 45થી વધુ જવાનો ઘાયલ થયા હતા,બનાવને પગલે પંથકમાં અરાજકતા વ્યાપી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે તારીખ 13 ડિસેમ્બરના રોજ પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી.
આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા. ટોળા દ્વારા વન વિભાગની ગાડીઓને સળગાવી દેવાઈ હતી. જાણવા મળ્યા મુજબ વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને શનિવારે સ્થિતિ અત્યંત તંગ બની હતી.
પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર પથ્થર, તલવાર અને તીર-કામઠાથી હુમલો કરાયો હતો. જેમાં PI આર.બી.ગોહિલને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. ઈજાગ્રસ્ત PI સહિતના ઘાયલ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વન વિભાગના આરએફઓએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લગભગ 500થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.