Connect Gujarat
ગુજરાત

રાજકારણ ગરમાયું..! : વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પત્રિકા વાયરલ, જુઓ ભાજપ-કોંગ્રેસની પ્રતિક્રિયા...

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થતાં કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું ગણાવી આક્ષેપ કર્યા હતા.

X

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થતાં કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું ગણાવી આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા સંગઠન ભાજપના આક્ષેપોને ફગાવી રહ્યું છે.

વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે દક્ષિણ ગુજરાતના લડાયક મિજાજ ધરાવતા જાણીતા યુવા આદિવાસી આગેવાન અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય હેડ એવા ધવલ પટેલને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. ધવલ પટેલ પોતે મૂળ વાંસદાના ઝરી ગામના વતની છે. જોકે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના જુના જોગીઓને સાઈડમાં રાખી ભાજપે ધવલ પટેલને સીધા જ ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઈ રાજકારણ ગરમાયું હતું. જોકે, હવે બન્ને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. એવા સમયે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્રિકા અને લેટરો સોશીયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ અને આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાના દાવા થઈ રહ્યા છે. ધવલ પટેલ બહારના હોવાનું જણાવી ફરતી થયેલી આ નનામી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયુ હતું. જોકે, આ મુદ્દે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાયરલ થયેલા લેટર અને પત્રિકાઓ કોંગ્રેસનું જ ષડયંત્ર હોવાનું ગણાવી રહ્યા છે.

તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા સંગઠન ભાજપના આક્ષેપોને ફગાવી રહ્યું છે. કોંગ્રેસના મતે ભાજપ એ વર્ષોથી વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર સ્થાનિક લોકોના પ્રશ્નોને હલ કરવા અને આ વિસ્તારની સમસ્યાઓને વાચા આપવા માટે અને ભાજપને દરેક ચૂંટણીમાં જીતવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરતા ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાઈડમાં રાખી બહારથી ઉમેદવાર લાવીને ચૂંટણી લડાવી રહ્યા હોવાથી ભાજપમાં જ આંતરિક અસંતોષ છે. જેને કારણે દુભાયેલા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જ અંદરખાને આવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હોવાનું કોંગ્રેસના આગેવાનો જણાવી રહ્યા છે. આમ બન્ને ઉમેદવારોના ચાલી રહેલા ચૂંટણી પ્રચારના માહોલમાં હવે ઉમેદવાર વિશે આક્ષેપ પ્રતિ-આક્ષેપોના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ પત્રિકા અને લેટરના કારણે બન્ને પક્ષોમાં આંતરિક રાજકારણ પણ ગરમાયું છે.

Next Story