-
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન
-
ચૂંટણીની તારીખ જાહેર થતાંની વચ્ચે આંતરિક જુથવાદ
-
રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા
-
ટિકિટ ન મળતાં ભાજપ સંગઠન મહિલા મંત્રીનું રાજીનામું
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાંની વચ્ચે આંતરિક જુથવાદ સામે આવ્યો છે. જેમાં આજરોજ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ટિકિટ નહીં મળતાં જિલ્લા ભાજપ સંગઠનના મહિલા મંત્રીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવતા આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવરો સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો જોડાયા હતા.
તો બીજી તરફ, તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા ટિકિટ નહીં મળતા આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં જિલ્લા સંગઠન મહિલા મંત્રીએ પક્ષને રાજીનામું ધરી દીધું છે. અનિતા પાટીલએ વોર્ડ નં. 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી.
આખરી સમયે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપ સાથે તેઓએ નારાજ થઈ પાર્ટીના દરેક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અગાઉ અનીતા પાટીલ સોનગઢ નગર સંગઠન મંત્રી, 2 ટર્મ સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા. વોર્ડ નં. 2માં અનીતા પાટીલે કરેલી દાવેદારી સામે અન્ય મહિલા ઉમેદવારને ભાજપે ટિકિટ ફાળવી દેવામાં આવતા તાપી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.