રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા”માં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે. રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા” 7 માર્ચ અને ગુરુવારના રોજ બપોરે 3 કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે.ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાયયાત્રા” રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાયયાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાયયાત્રા રહેશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધી દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં 100 લોકસભા બેઠકો આવરી લેવાશે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાયયાત્રા ફરશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેનું મુખ્ય ટાર્ગેટ હશે.