ગુજરાતભરમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..!
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક ભારે પવન સાથે વરસાદ તો ક્યાક વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઊભો પાક નિષ્ફળ જવા પામ્યો છે. ભર ઉનાળે નદીઓ વહેતી થઇ ગઇ છે. તો બીજી તરફ, ખેડૂતોના જીવ નુકસાનની ભીતિએ તાળવે ચોંટી ગયા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, ભરૂચ, વલસાડ, દેવભૂમી દ્વારકા, ગાંધીનગર અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને 25 ટકા સુધી નુકસાન થયું છે. મોટી સંખ્યામાં ખેતરોમાં કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યાં કરા વરસ્યા છે, ત્યાં પાકને 50 ટકા સુધી નુકસાન થયું છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની સંભાવના વર્તાય રહી છે, ત્યારે હાલ તો કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની હાલત પડતાં ઉપર પાટુ જેવી થઇ છે.